તમોએ સુરતમાં નાના માણસોને ઘરનું ઘર મળી રહે તેવા ઉદ્દેશથી એક ટાઉનશીપનું નિર્માણ કર્યું. તે વિચાર તમને કયારે અને કેવી રીતે આવ્યો? તે જણાવો.

વર્ષ ૨૦૦૪માં તાપીના કિનારે એક બિલ્ડીંગમાં સાતમાં માળે હું કોઈને મળવા જઈ રહ્યો હતો. તે ભાઈ ઓફિસે આવ્યા નહોતા. આથી હું અડધો કલાક બહાર લોબીમાં ઊભો રહ્યો. નીચે એક લીંમડાનું વૃક્ષ હતું અને કબૂતર માળો બનાવતાં હતા. કબૂતર એક પછી એક સળીઓ લાવતા હતા અને માળામાં મુકતાં હતા. આ માળો બનાવવાનું કામ ચાર કબૂતરો કરતા હતા. મને લાગ્યું કે બે કબૂતરો માળો બનાવવાનું કામ કરે તો તે પતિ-પત્ની હોય એવું આપણે માનીએ. પરંતુ અહિયાં તો ચાર કબૂતરો કામ કરી રહ્યા હતા. એનો અર્થ એ થયો કે માળારૂપી ઘર બનાવવામાં એક-બીજાને કબૂતરો ઉપયોગી બની શકે છે. જેમ કે વર્ષો પહેલા ગામડામાં મકાન બનાવવા માટે ખેતીનું કામ ના હોય ત્યારે સગાં-વ્હાલાનાં ગાડાઓ આવતા. રેતી–પથ્થર વગેરે ગાડામાં લાવી બે-ત્રણ મહિના રોકાય અને મકાન બનાવવાનું કામ આગળ વધે. આવી રીતે સગાં-વ્હાલા એક-બીજાને મકાન બનાવવામાં ઉપયોગી થતા હતા. પરંતુ આજે શહેરોમાં પોતાનું ઘર બનાવવું ઘણું કઠીન છે. ૨૦ હજાર રૂપિયાની મહીને આવક ધરાવતો વ્યક્તિ શહેરમાં પોતાનું ઘર લઈ શકતો નથી અને આવા પરીવારો ભાડાનાં મકાનમાં રહેતા હોય છે અને વારંવાર ઘર બદલાવતાં હોય છે. બાળકોના અભ્યાસ ઉપર પણ તેની અસર પડતી હોય છે. રીત-રીવાજ મુજબ પ્રસંગોમાં પણ મુશ્કેલી પડતી હોય છે. પશુ-પક્ષીઓ માળારૂપી ઘર બનાવવામાં એક-બીજાને ઉપયોગી થઈ શકતા હોય અને ગામડાઓમાં વર્ષો પહેલાં પૂર્વજો એકબીજાને મકાન બનાવવામાં ઉપયોગી થઈ શકતા હોય તો આપણે શહેરમાં ઓછી આવકવાળા પરીવારો માટે મકાન બનાવવામાં ઉપયોગી થવું પડે. આ વિચાર સતત મારા મનમાં આવ્યા કરતો હતો અને કેવી રીતે ઉપયોગી થઈ શકાય તેના માટે મનોમન મંથન કરતો હતો. સુરતમાં રહેતા ગઢડા તાલુકાનાં સાત હજાર પરીવારોનું વર્ષ ૧૯૯૦ થી અમારૂ એક સંગઠન ચાલતું હતું. આ સંગઠન દ્વારા દર વર્ષે ભોજન સાથેના સ્નેહમિલનનો સમારંભ થતો અને બાળકોને સ્ટેશનરી આપીને પ્રોત્સાહિત કરતાં હતા. આ સંગઠનના અમારા સાથી મિત્રોને મેં કહ્યું કે, આપણે આપણા પરીવારમાં ઘણા લોકોને પોતાના ઘર નથી તેવા લોકો માટે ટાઉનશીપનું વિચારીએ. સાથી મિત્રોને આ વાત ગમી. સાધન સંપન એવા ૧૦૮ લોકોની કમિટી બનાવવામાં આવી અને બેંક ઓફ ઇન્ડિયા પાસેથી ૨૦ વર્ષના હપ્તા સાથે લોન લેવાનું નક્કી કરવામાં આવ્યું. ૧૦૮ આગેવાનોએ સૌ સભાસદોની હાજરીમાં હાથમાં શ્રીફળ રાખીને શપથ લીધા કે અમો આ પ્રોજેક્ટની કદી ચા પણ નહિ પીએ અને પ્રોજેક્ટના કામ માટે જ્યાં જવાનું થશે ત્યાં પોતાના ખર્ચે જઈશું. હાથમાં રાખેલા શ્રીફળ સુરતમાં “ગઢપુર ટાઉનશીપ” બનાવી તે ટાઉનશીપનાં ગેઇટ પર આ શ્રીફળનું તોરણ બનાવશું અને ટાઉનશીપ બનશે ત્યાં સુધી આ શ્રીફળ પોત-પોતાના ઘરે રાખશું. સુરતનાં જૂનાં જકાતનાકાથી પાસોદરા રોડ ઉપર ટાઉનશીપનું સુંદર પ્લાનીંગ કરવામાં આવ્યું. તે વખતનાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટાઉનશીપનું ખાતમુહ્ત કર્યું. આ ટાઉનશીપમાં રો-હાઉસ અને ફ્લેટ મળીને ૧૨૧૧ મકાન બનવવામાં આવ્યા. આખા નગરમાં RCC રોડ, બાગ-બગીચા, બાર ધોરણ સુધીની સ્કુલ, મંદિર, સખીમંડળ હોલ, પ્રસંગ માટેની વાડી, શોપીંગ સેન્ટર આમ સંપૂર્ણ સુવિધા સાથેના સુંદર ટાઉનશીપનું નિર્માણ કર્યું. ૧૦૮ આગેવાનોએ મળીને જે ત્રણ વર્ષ પહેલાં શપથ લીધેલા તે શ્રીફળથી ટાઉનશીપનું તોરણ બાંધી ભવ્ય કાર્યક્રમ કર્યો. આ સાથે આખી સોસાયટીની સામૂહિક વાસ્તુનો પણ ભવ્ય કાર્યક્રમ કર્યો. ઓછી આવક ધરાવતાં અને શહેરમાં પોતાનું ઘર ન હતું તેવા ૧૨૧૧ પરીવારોને ઘર મળ્યા. એ ઘરના લોકોની ખુશી તો અદ્દભૂત હતી. ઘરનાં તમામ સદસ્યો ખૂબ ખુશ હતા. તેમાં પણ વડીલોની વિશેષ ખુશી હતી. વડીલોને નગરમાં જ મંદિર હોવાથી બહાર જવું પડતું ન હતું. બધી જ સુવિધા નગરમાં હોવાથી ફક્ત ધંધા અર્થે જ બહાર જવાનું રહ્યું હતું. બહેનો પણ ઘરે સાડીઓ મંગાવીને ફોલ સ્ટીચનું કામ કરવા લાગ્યા. બહાર ભાડે રહેતા હતા ત્યારે વારંવાર મકાન બદલવું પડતું હતું. ત્રણ બાળકો હોય તો સ્કુલ ફી – રીક્ષાભાડું આમ કુલ મળીને વર્ષે ૪૫,૦૦૦ રૂપિયા નો ખર્ચ થતો હતો. આ ત્રણે બાળકો ટાઉનશીપની સ્કુલમાં દાખલ થવાથી ફક્ત ૧૦,૦૦૦ રૂપિયામાં ભણવા લાગ્યા અને ૩૫,૦૦૦ રૂપિયાની બચત થઈ. જયારે ૧૨ મહીને બેન્કનો હપ્તો ફક્ત ૪૨,૦૦૦ રૂપિયા આવતો હતો તે હપ્તો બચતના કારણે સરળતાથી બેંકમાં ભરી શકવા લાગ્યા. આવી રીતે સારા મેનેજમેન્ટથી મધ્યમ વર્ગના પ્રશ્નો હલ થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ “ગઢપુર ટાઉનશીપ” છે. ટાઉનશીપ બનવાથી છોકરાઓના સંબંધો થવા લાગ્યા અને લોકો વચ્ચે તેમના માન-સન્માન વધ્યા. મધ્યમ વર્ગ માટે સમાજનાં સંગઠનો આગળ આવે તો આવું કામ થઈ શકે છે. દરેક જાગૃત લોકોએ વિચારવું જોઈએ કે પંખીઓ એકબીજાને ઉપયોગી થતા હોય તો માનવીએ પણ એકબીજાને ઉપોયોગી થવાની પરંપરા જાળવી રાખવી જોઈએ. શહેરમાં રહીને પણ એકબીજાને ઉપયોગી થઈ શકાય તેના માટે “ગઢપુર ટાઉનશીપ” એ એક ઉત્તમ ઉદાહરણ છે.