તમને બેટી બચાવો અભિયાન ચલાવવાનો વિચાર કેવી રીતે આવ્યો?

q1

                જળસંચય અભિયાન માટે અમો ગામડાંઓનો પ્રવાસ કરતાં હતા. વર્ષ ૨૦૦૩માં જૂનાગઢ જીલ્લાનાં માણાવદર તાલુકાનાં પ્રવાસમાં ગામનાં વડીલોએ કહ્યું કે પાણી બચાવો અભિયાન થકી પાણીનો પ્રશ્ન તો હલ થયો પરતું અમારા ગામમાં ૨૦૦ થી વધારે કુંવારા છોકરાઓ છે. અન્ય ગામોની પણ આવી જ સ્થિતિ છે. વડીલોએ કહ્યું કે કન્યા ભૃણહત્યા થાય છે એટલે છોકરીઓનો જન્મદર ઓછો છે. તમારે પાણી બચાવો અભિયાનની સાથે બેટી બચાવો અભિયાનને જોડી દેવું જોઈએ. તે વડીલોની વાત મેં ધ્યાનમાં લીધી અને વિચાર્યું કે પાણી બચાવો અભિયાનમાં તળાવ-ચેકડેમો બનાવવા માટે અનેક સામગ્રીની જરૂર પડે છે પરંતુ બેટી બચાવો અભિયાનમાં કોઈ મટીરીયલ્સની જરૂર રહેતી નથી. ગામોગામ ભાઈઓ–બહેનોની મોટી સંખ્યા સભામાં આવે છે. તે સભામાં પાણી બચાવોની વાતો સાથે બેટી બચાવોની વાતો કરીશું. જેથી આ વાતો દ્વારા લોકોના હર્દય પરિવર્તન થશે, લોકોને સાચું સમજાશે, કન્યા ભૃણહત્યા અટક્શે અને દીકરીઓનો જન્મદર વધશે તેથી છોકરાઓ અને છોકરીઓના જન્મદરની અસમતુલા ઘટશે. અમોએ વર્ષ ૨૦૦૩માં પાણી બચાવો અભિયાનની સાથે સાથે બેટી બચાવો અભિયાન શરૂ કરી દીધું. દરેક સભામાં કન્યા ભૃણહત્યા રોકવા માટે લોકોને જાગૃત કરવાનું કામ શરૂ કર્યું. બેટી બચાવો અભિયાન માટે વિશેષ જાગૃતિ લાવવા માટેનાં નવા આયોજનો વિચારવાનું શરૂ થયું. નવા આયોજન થકી બેટી બચાવો અભિયાન સમ્રગ રાજ્ય અને દેશમાં આગળ વધે તેવા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા.