છોકરા – છોકરી વચ્ચેનાં અન-બેલેન્સ માટે ફક્ત ભૃણહત્યા જ જવાબદાર છે કે અન્ય કોઈ પરીબળો?

q2

                કુદરતી નિયમ મુજબ ૧૦૦૦ છોકરાઓની સામે ૧૦૦૦ છોકરીઓ જન્મે તે સ્વાભાવિક છે. પરંતુ જન્મદરના અન-બેલેન્સ માટે પુરુષપ્રધાન માનસિક્તા જવાબદાર છે. દીકરીઓનો જન્મદર ઘટે છે તેના મુખ્ય બે કારણો છે:   (૧) કન્યા ભૃણહત્યા અને (૨) પ્રથમ છોકરાનો જન્મ થતાં ઓપરેશન કરાવવામાં આવે છે. એક સ્ત્રીની કુખે પ્રથમ બે છોકરાનો જન્મ થાય તે પરીવાર તુરંત ઓપરેશન કરાવી નાંખે છે અને ત્રીજું સંતાન છોકરી જન્મે એવી અપેક્ષા રાખતા નથી. જયારે તેના જ બાજુનાં ઘરે પ્રથમ બે છોકરીઓ જન્મે છે તે છોકરાની ખુબ જ જરૂરિયાત સમજે છે અને ત્રીજું સંતાન છોકરો જન્મે છે. આ બે જ ઘરનાં સરવાળામાં ત્રણ છોકરાઓ અને બે છોકરીઓનો જન્મદર થાય છે. છોકરીઓનો જન્મદર ઘટે છે તેનું એક કારણ આ પણ છે. છોકરીઓનો જન્મદર ઘટવાનું બીજું મહત્વનું કારણ એ પણ છે કે જે ઘરે પ્રથમ બે દીકરીઓનો જન્મ થયો છે તે પરીવાર નવું જન્મનાર બાળક દીકરી તો નથી ને? તે જાણવા માટે સોનોગ્રાફી કરાવે છે. સોનોગ્રાફીનાં રીપોર્ટમાં દીકરી જણાતા કન્યા ભૃણહત્યા કરે છે. દીકરીઓનો જન્મદર ઓછો હોવાના આ બે મુખ્ય કારણો છે. કન્યા ભૃણહત્યા થાય છે તે માટે પરીવાર અને માતા-પિતા તો જવાબદાર છે જ પરંતુ ભૃણહત્યા કરતાં ડોકટર પણ એટલાં જ જવાદાર છે. ડોક્ટરની ભણેલ–ગણેલ સમાજમાં ગણના થાય છે. સમજદાર ડોક્ટર કદી કન્યા ભૃણહત્યા ન કરી શકે. ભૃણહત્યા એ એક કલંક છે. ૧૦૦૦ છોકરાઓની સામે ૧૦૦૦ છોકરીઓ જન્મે તો જ દરેકને જીવનસાથી મળી શકે અને સમાજ વ્યવસ્થા સારી રીતે ચાલી શકે. કુદરતે બનાવેલી વ્યવસ્થામાં માનવ અવરોધ કરે છે ત્યારે અનેક પ્રશ્નો ઊભા થાય છે. આજે લાખોની સંખ્યામાં કુંવારા યુવાનોને જીવનસાથી મળતા નથી. એક માં દુઃખી છે કે પોતાના દીકરાને પરણાવી શકતી નથી, એક બહેન પોતાના ભાઈને કુંવારો જોઈ દુઃખી છે, કુંવારો છોકરો દુઃખી છે. આમાંથી અમુક યુવાનો પોતાની કામ વાસના સંતોષવા માટે ન કરવાના કૃત્યો કરી બેસે છે. ન કરવાના કૃત્યો કરતાં યુવાનો રાક્ષસ બની જાય છે આથી બળાત્કાર, રેપ જેવી અનેક ઘટનાઓ બને છે. આ ઘટનાથી દેશના તમામ નાગરીકો અને સરકાર ચિંતિત છે. પરતું આવી ઘટનાઓ માનવ વ્યવસ્થા માટે કલંક છે. કુદરતી વ્યવસ્થાને નુકશાન પહોચાડવાથી અનેક સામાજીક વિટંબણાઓ ઊભી થઈ છે. આ સામાજીક વિટંબણાઓને દૂર કરવા માટે કન્યા ભૃણહત્યા રોકવી પડશે, પુરૂષપ્રધાન માનસિક્તા દૂર કરવી પડશે, છોકરો જન્મે કે છોકરી બંનેને સમાન નજરથી જોવા પડશે અને તો જ સ્ત્રી શક્તિશાળી બની પુરૂષની જેમ બધા જ પ્રકારના કામ કરી શકશે. યુરોપનાં દેશોમાં સ્ત્રી અને પુરૂષનાં કાર્યમાં કોઈ ફરક હોતો નથી, અધિકારમાં ફરક હોતો નથી. એવી જ રીતે આપણા દેશમાં સ્ત્રીને સશક્ત કરવા માટે દરેક માનવીએ અને સરકારે વિશેષ ચિંતા કરવી પડશે. સૌ સાથે મળી કન્યા ભૃણહત્યા જેવા કલંક ને મીટાવી પુરૂષ પ્રધાન માનસિક્તા દૂર કરીએ અને ૧૦૦૦ દીકરાની સામે ૧૦૦૦ દીકરીઓ જન્મે તેવી સમજણ સમાજ કેળવે તેવો માહોલ પેદા કરીએ.