“સર્વે સમાજ બેટી બચાવો યાત્રા – સુરત થી સોમનાથ” તે કેવા પ્રકારનું આયોજન હતું તે જણાવો.

q7

                “સર્વે સમાજ બેટી બચાવો યાત્રા”નો ઉદ્દેશ સમગ્ર ગુજરાત અને દેશમાં કન્યા ભૃણહત્યા રોકવાની વિશેષ જાગૃતિ લાવવા માટેનો એક અનોખો પ્રયાસ હતો. સુરત શહેરમાં ગુજરાતનાં ૧૨ હજાર ગામો અને ૨૨ રાજ્યનાં લોકો રહે છે. તેથી સુરતનાં લોકોનો સંદેશ આખા દેશમાં પહોચાડવો સરળ બને છે. સર્વે સમાજ બેટી બચાવો યાત્રામાં સુરતમાં રહેતાં અન્ય રાજ્યોનાં આગેવાનો પણ જોડાયા હતા. ૩૦૦ ફોર વ્હીલ બેટી બચાવો સંદેશા સાથે સુશોભિત કરવામાં આવી હતી. એક હજાર ભાઈ-બહેન આગેવાનો યાત્રામાં જોડાયા હતા. યાત્રાનાં મુખમાં બેટી બચાવો રથ રાખવામાં આવ્યો હતો. રથનું સ્વાગત એટલે યાત્રાનું સ્વાગત હતું. તારીખ ૩૧મી ઓકટોબર,૨૦૦૮ નાં રોજ તે સમયનાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું તથા યાત્રાનાં અમદાવાદનાં કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહ્યા હતાં. સુરત થી સોમનાથ સુધીના યાત્રાનાં રૂટમાં આવતાં શહેરો-નગરો-ગામોમાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવતું હતું. સભા સ્થળે આજુબાજુનાં વિસ્તારોમાંથી દરેક સમાજનાં ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હતાં. દરેક કાર્યક્રમોમાં સંતો-મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તથા ડોકટરો પણ ઉપસ્થિત રહેતા હતા. યાત્રાનાં કાર્યક્રમમાં દરેક જ્ઞાતિનાં સંગઠનો, સરકારનાં વિવિધ વિભાગોનાં અધિકારીઓ પણ જોડાતા હતાં. યાત્રાની દરેક સભામાં કન્યા ભૃણહત્યા રોકવા માટેનાં શપથ લેવાતા હતા. સભામાં ભાઈઓ-બહેનો એક સાથે ઉભા થઈ શપથ લેતા હતા કે, “અમે કદી કન્યા ભૃણહત્યા નહિ કરીએ, દરેક ઘરે દીકરીઓ જન્મશે, દીકરી તથા દીકરાને સમાન નજર થી જોઈશું અને દીકરીઓને શક્તિશાળી બનાવવા માટે શિક્ષિત અને દીક્ષિત કરીશું.” ઉપસ્થિત ડોકટરો પણ કન્યા ભૃણહત્યા રોકવા માટેનાં શપથ લેતા હતા. સુરતમાંથી ગુજરાતના ૧૮ હજાર ગામોમાં કન્યા ભૃણહત્યા રોકવા માટેનાં અપીલ સાથેના દીકરીઓએ પત્રો લખેલા હતા તે મુજબ ગામો ગામના લોકો તે જળ કળશો યાત્રાનાં રૂટમાં યાત્રાને અર્પણ કરતા હતા. યાત્રા સુરત થી દક્ષીણ ગુજરાતમાં થઈ અમદાવાદ થી ઉતર ગુજરાત, મહેસાણા-પાટણ થી સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગર, રાજકોટ, ગોંડલ, જૂનાગઢ થઈ આઠમાં દીવસે યાત્રા સોમનાથ પહોંચી. સોમનાથ મહાદેવનાં સૌ યાત્રિકોએ દર્શન કર્યા બાદ વિશાળ સભા થઈ. સભાનાં અંતે ગામોગામથી આવેલા જળ કળશ દરેક યાત્રિકે ખંભે લીધા અને સૌ યાત્રિકો એકસાથે સોમનાથ મંદિરનાં પ્રાંગણમાંથી સાગર કિનારે ગયા. ગામો-ગામથી જળની સાક્ષીમાં કદી કન્યા ભૃણહત્યા નહિ કરવાના શપથ લેવાયા હતા તે જળ યાત્રિકોએ સાગરને અર્પણ કર્યું. સાગરને જળ અર્પણ કરતી વખતે સૌ યાત્રિકોનો ભાવ એવો હતો કે તે શપથ જળ સાગર થકી બુંદ-બુંદ બની દેશ અને દુનિયામાં બેટી બચાવો સંદેશા સાથે પહોંચે અને કન્યા ભૃણહત્યા થતી અટકે, દીકરી તથા દીકરાને સમાન નજર થી જોવામાં આવે અને દીકરીઓને દીકરા જેટલી જ સક્ષમ બનાવવામાં આવે. આવા ભાવ સાથે સૌ યાત્રિકોએ સાગરને જળ અર્પણ કર્યું. આ યાત્રાથી સમગ્ર ગુજરાતમાં અને દેશમાં બેટી બચાવો અભિયાનની વિશેષ જાગૃતિ આવી. બેટી બચાવો અભિયાન માટે સૌ જાગૃત નાગરિક ભાઈઓ-બહેનોએ દેશમાં સતત કામ કરવું પડશે. કન્યા ભૃણહત્યા એ કલંક છે. આથી સમાજ વ્યવસ્થાને ખુબ મોટું નુકશાન પહોંચે છે. તેથી સૌનું કર્તવ્ય બને છે કે બેટી બચાવો અભિયાન દરેક વિસ્તારમાં પહોંચે અને લોક જાગૃતિનું કામ કરે.