લોકોને દીકરા માટે વહુ જોઈએ છે પરંતુ દીકરી નથી જોઈતી. આવી માનસિકતાને બદલાવવા માટે શું કરી શકાય?

                દરેક પરીવારને પોતાનો વંશવેલો કાયમ માટે જળવાય રહે તેની ચિંતા હોય છે. આથી તે પોતાનાં છોકરાને કુંવારો જોઈ શકતા નથી અને પોતાનાં દીકરાના લગ્ન કરવા માટે આતુર હોય છે તેથી પોતાનાં દીકરા માટે તેમને વહુ તો જોઈએ જ છે. સ્ત્રી વગર વંશવેલો શક્ય જ નથી. છતાંય તેમને દીકરી નથી જોઈતી ફક્ત દીકરો જ જોઈએ છે. દીકરો હશે તો વંશવેલો રહેશે, દીકરો હશે તો કમાશે, દીકરો હશે તો ગઢપણ પાળશે, દીકરો હશે તો કાંધ આપી સ્મશાન લઈ જઈ અગ્નિસંસ્કાર કરાવશે, દીકરો હશે તો ક્રિયાકર્મ કરાવશે, આવી વિવિધ પ્રકારની વર્ષો જૂની માનસિક્તાઓથી માનવી ઘેરાયેલો છે. આવી માનસિક્તાનાં હિસાબે તે દીકરાને જ મહત્વ આપે છે. દીકરી જન્મે તો તે એટલાં માટે દુઃખી થાય છે કે દીકરીને સારૂં ઘર મળશે કે કેમ?, સારો જમાઈ મળશે કે કેમ?, દીકરીને હું ઘરે રાખી નહિ શકું, દીકરીથી વંશવેલો ન ચાલે, દીકરીને તો પારકાં ઘરની થાપણ સમજે છે, દીકરીનાં લગ્નમાં વધારે ખર્ચ કરવો પડે છે, દહેજરૂપી છોકરાંનાં હાથમાં રૂપિયા આપવા પડે છે, દીકરીનાં જન્મથી મરણ સુધીનાં રીત રિવાજોનાં ખર્ચ, દીકરીનાં બાળકનાં લગ્ન વખતે મામેરું, દરેક વાર-તહેવાર–પ્રસંગે દીકરી માટે ભેટ-સોગાદો, અંતે દીકરીનું મરણ થાય ત્યારે બાપનાં ઘરેથી મુંઢકણું કરવા જેવા અનેક આવા રિવાજોનાં હિસાબે દીકરીનાં માવતર દીકરી પસંદ કરતાં નથી. આવા કુરિવાજોમાંથી સમાજને બહાર કાઢવો પડશે અને તેની સાથે રીત-રીવાજો પણ હળવા કરવા પડશે. જે ઘરે દીકરીઓ વધુ હોય તે પરીવાર રીત-રીવાજનાં ખર્ચથી દેવાદાર બને છે. તેથી સમાજનાં દરેક વર્ગમાં સામાજિક ધરમૂળ ફેરફાર લાવવાની જરૂરીયાત છે. રીત-રીવાજ હળવા થશે તો દીકરીઓનાં માવતરને આર્થિક બોજ ઓછો વેઠવો પડશે. દરેક ઘરે દીકરીનો જન્મ થાય અને પરીવારો દીકરીને ખુશીથી વધાવે તે માટે રીત-રીવાજો હળવા કરવા જરૂરી છે. દીકરીઓને ભણતર, ગણતર, જરૂરી તાલીમો આપીને સક્ષમ બનાવવી જરૂરી છે. દુનિયાનાં અનેક દેશોમાં દીકરીઓ પુરૂષ જેટલી જ સક્ષમ છે. દીકરીઓ આજે વૈજ્ઞાનિકો બની છે, દીકરીઓ તમામ બીઝનેશમાં મહત્વની ફરજ્દારી બજાવે છે તથા દીકરીઓ પુરૂષ જેટલું કમાવવાની ક્ષમતા ધરાવે છે. એવી જ રીતે આપણા દેશની દીકરીઓ સક્ષમ બને, તમામ કામો કરી શકે, પુરૂષ જેટલું જ કમાઈ શકે તે પ્રકારનાં આયોજનોનું સરકારશ્રીઓએ અને સમાજે મળીને નિર્માણ કરવું પડશે. તો જ દરેક ઘરે દીકરી જન્મશે અને લોકો દીકરી તથા દીકરાને સમાન નજરથી જોશે. આવા માહોલને પેદા કરવા માટે સરકારશ્રીઓ, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને દરેક જાગૃત નાગરિકે વિશેષ કામ કરવું પડશે.