દીકરીઓનો જન્મદર ઘટવાથી સમાજ વ્યવસ્થામાં કેવા પ્રકારનાં પ્રશ્નો ઊભાં થયાં?

                અનેક યુવાનોને જીવનસાથી મળતા નથી. પોતાનાં કુંવારા છોકરાનાં લગ્ન કરવા માટે પોતાની છોકરી સામેનાં ઘરે આપવા માટે તૈયાર થાય છે. સામેથી ભાઈ-બહેન હોય છે અને આ બાજુથી પણ ભાઈ-બહેન હોય છે. દેશી ભાષામાં આને સામસામે લગ્ન કહેવામાં આવે છે. આ સામસામે લગ્નમાં દીકરીને પોતાની પસંદગીનો છોકરો મળતો નથી. પોતાનાં ભાઈનો સંબંધ થાય તેવા ઉદ્દેશથી દીકરીએ નાપસંદગીનાં છોકરાં સાથે લગ્ન કરવા પડે છે. તેનો ઘરસંસાર ઘણાં સંઘર્ષ વચ્ચે આગળ વધે છે. કોઈ જગ્યાએ પતિ-પત્નીનાં ન બનવાથી છુટા-છેડા લેવામાં આવે છે ત્યારે તેનાં ભાઈનો સંબંધ પણ આપોઆપ છુટી જાય છે. આવા અનેક બનાવો સમાજમાં બને છે. બીજું એક નવું દુષણ એ પણ છે કે ગરીબ અને કચડાયેલા પરીવારોને રૂપિયાની લાલચ આપીને દલાલો મોટા સોદા કરી દીકરીઓને પરણાવવાનું કામ કરે છે. આવા સંબંધો લાંબો સમય ટકી શકતા નથી. અમુક દલાલોએ આ પ્રકારનો બિઝનેશ શરૂ કરી દીધો છે. ગરીબ પરીવારની દીકરીઓ સાધન-સંપન લોકોનાં ઘરે સાસરે જાય તેમાં તો કોઈ વાંધો હોય જ ના શકે પરંતુ એ ગરીબ પરીવારોમાં કુંવારા દીકરાઓને જીવનસાથી મળતા નથી. તે ગરીબ પરીવારોમાં ૧૦૦૦ છોકરાઓની સામે ૧૦૦૦ છોકરીઓ જન્મે જ છે. ગરીબ પરીવારોમાં કન્યા ભૃણહત્યા થતી નથી. પરંતુ આ પરીવારની દીકરીઓનાં દલાલો દ્વારા અન્ય જગ્યાએ લગ્ન થવાથી પોતાનાં સમાજનાં છોકરાઓને છોકરીઓ મળતી નથી તેથી તેમનાં છોકરાઓ કુંવારા રહે છે. ભણેલા-ગણેલા અને સાધન-સંપન લોકો કન્યા ભૃણહત્યા કરે છે અને પોતાનાં છોકરાઓનાં લગ્ન માટે ગરીબ અને કચડાયેલા પરીવારની દીકરીઓ દલાલ મારફત લઈ આવે છે. આવા ભયંકર દુષણો પેદા થયા છે. અનેક છોકરાઓને દીકરીઓ ઘટવાથી જીવનસાથી મળતા જ નથી. આવા કુંવારા છોકરાઓમાંથી અમુક છોકરાઓ અસામાજીક પ્રવૃતિઓમાં ચડી જાય છે. ચોરી, લુંટ, ખુન-ખરાબા, બળાત્કાર, રેપ જેવાં કૃત્યો કરે છે. દીકરીનો જન્મદર ઘટવાથી આ પ્રકારનાં દુષણો સમાજ વ્યવસ્થા માટે કલંક છે. તેથી દરેક જાગૃત નાગરીકનું કર્તવ્ય બને છે કે આવા દુષણો રોકવા માટે જાગૃત થાય અને લોકોને સમજાવે.