તમે જ્ઞાતિવાદમાં માનતા નથી છતાંય તમોએ સારાય ગુજરાતનાં લેઉવા-કડવા પાટીદારોને ભેગા કરવા માટે ખુબ મહત્વનું કામ કર્યું છે એવું લોકો કહે છે. તેમાં આપનું શું કહેવું છે?

હા, અમે ગુજરાતનાં લેઉવા-કડવા પાટીદારોને એક કરવાનું કામ કર્યું છે. જળસંચય અભિયાન માટે રાજ્યભરનાં ગામડાંઓનો પ્રવાસ થયો તેમાં ગામોગામ જ્ઞાતિ સંઘર્ષો જોયાં. જ્ઞાતિ સંઘર્ષના હિસાબે ગામની એકતા રહેતી નથી. આવા દ્રશ્યો જોઇને મને વિચાર આવતો કે જ્ઞાતિવાદ ઘટે એવો પ્રયાસ કરવો જોઈએ. પાણી મેનેજમેન્ટ અભિયાનમાં અમારી સાથે કામ કરતાં સમાજનાં અગ્રણી એવા સ્વ.ઓધવજીભાઈ ઓરપેટવાળા અને ઊંઝા ઉમિયાધામનાં પ્રમુખશ્રી સ્વ.કેશવલાલ શેઠની સાથે ચર્ચા થઈ કે આપણે ગુજરાતનાં લેઉવા-કડવા પાટીદારોને ભેગા કરી સમસ્ત પાટીદાર સમાજની સ્થાપના કરવી જોઈએ. આ મહાનુભાવોનું સુચન હતું કે સુરતમાં ગુજરાતનાં ૧૦ હજારથી વધારે ગામનાં પાટીદારો સ્થાયી થયેલ છે. તેથી સમસ્ત પાટીદાર સમાજની સ્થાપના સુરતમાં થાય તો સમાજ એકતાનો સંદેશો ગામોગામ પહોંચશે. આથી આપ આગળ વધો. અમો તમારી સાથે છીએ. આ પાટીદાર સમાજની એકતારૂપી “સમસ્ત પાટીદાર સમાજ” સુરતમાં બનાવવાનાં વિચારને સુરતમાં ગોવિંદભાઈ ધોળકિયા, લાલજીભાઈ પટેલ, મનોજભાઈ ગોધાણી વગેરે આગેવાનો સમક્ષ રાખ્યો અને તે વિચારને સૌ આગેવાનોએ વધાવી લીધો. વર્ષ ૨૦૦૩માં “સમસ્ત પાટીદાર સમાજ”ની સુરતમાં સ્થાપના કરવામાં આવી. ૧૫ હજાર વાર જમીન પર સુરત ખાતે એક વિશાળ પાટીદાર સમાજ ભવન બન્યું. આ ભવનમાં આર્ય સમાજ પધ્ધતિથી રોજે ૪૦ લગ્નો થઈ શકે, પ્રાઈવેટ પ્રસંગો માટેનાં વિશાળ હોલો, આ તમામ સુવિધા તમામ જ્ઞાતિનાં લોકોને રાહત દરે આપવાનું નક્કી કરવામાં આવ્યું. જયારે સુરતમાં અન્ય જ્ઞાતિ ભવનોમાં પોતાનાં સમાજના લોકોને ૫૦% ભાડે આપવામાં આવે છે અને અન્ય સમાજનાં લોકો પાસેથી ૧૦૦% ભાડું વસુલવામાં આવે છે. જયારે અન્ય સમાજના લોકોએ ૧૦૦% ભાડું ભરીને વાડી બુક કરાવેલી હોય અને પોતાનાં સમાજનાં લોકોને વાડી જોઈતી હોય તો અન્ય સમાજના લોકોએ બુક કરાવેલ વાડી કેન્સલ કરે છે અને પોતાનાં સમાજનાં લોકોને વાડી આપવામાં આવે છે. જ્યારે તેની સામે સમસ્ત પાટીદાર સમાજની વાડી બધી જ જ્ઞાતિ માટે રાહત દરે આપવામાં આવે છે. આ વાડીમાં બુકિંગ માટે વહેલાં તે પહેલાં, કોઈપણ વ્યક્તિનું બુકિંગ કેન્સલ નથી થતું અને દરેક સમાજને એક સરખો અધિકાર મળે છે. આ ભવનમાં મિલ્કત પાટીદાર સમાજની, મેનેજમેન્ટ પાટીદાર સમાજનું પરંતુ ભવનની ઉપયોગીતાનાં નિયમો બધાં જ સમાજ માટે એક સરખા. જ્ઞાતિવાદ ઘટાડવા માટે સમસ્ત પાટીદાર સમાજે પ્રયાસ કર્યો છે. અન્ય સમાજનાં આગેવાનો પણ આ વ્યવસ્થાથી ખુશ થયા. અમોએ સમસ્ત પાટીદાર સમાજની સ્થાપના જ્ઞાતિવાદ ઘટાડવા માટેનાં પ્લેટફોર્મ માટે કરી છે. પાટીદાર સમાજનાં તમામ ટ્રસ્ટીઓ જ્ઞાતિવાદ ઘટાડવામાં માને છે. દરેક જ્ઞાતિ વચ્ચે આત્મીયતા ઊભી થાય તેવો અમારા સૌ સાથી ટ્રસ્ટીઓનો ઉદ્દેશ છે. સમસ્ત પાટીદાર સમાજનો ઉદ્દેશ સમાજનાં લોકોની સાથે સાથે અન્ય સમાજનો પણ વિકાસ થાય અને બધાં જ સમાજ વચ્ચે આત્મીયતા વધે એ ભાવ સાથે અમોએ પાટીદાર સમાજની સ્થાપના કરી છે.

                આ ઉપરાંત આ જ સંસ્થાનાં માધ્યમથી “સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ” દ્વારા રૂ|.૫૦૦ કરોડના ખર્ચે “કિરણ હોસ્પિટલ”નું નિર્માણ કર્યું છે. આ હોસ્પિટલ ૧૦ લાખ સ્ક્વેર ફૂટના બાંધકામમાં ૧૩ માળ તથા ૧૩માં માળે હેલીપેડ, એર એમ્બ્યુલન્સની સુવિધા, આધુનિક ટેકનોલોજીનાં સાધનો દ્વારા તમામ રોગોનો ઈલાજ, ૫૦૦ બેડની વિશાળ હોસ્પિટલમાં સારા ડોકટરો અને સ્ટાફ સાથે નિર્માણ થઈ છે. આ વિશાળ હોસ્પિટલમાં સૌ દાતાશ્રીઓ અને ટ્રસ્ટીઓના સહયોગથી સસ્તી અને સારી સારવારના મંત્રને સિધ્ધ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હોસ્પિટલની સારવારમાં નાત-જાતનાં ભેદભાવ રાખવામાં નહિ આવે તથા દરેક માનવીને સસ્તી અને સારી સારવાર મળે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમસ્ત પાટીદાર સમાજની સ્થાપના પાછળનો અમારો ઉદ્દેશ દરેક જ્ઞાતિ વચ્ચે આત્મીયતા વધે અને સંગઠન દ્વારા સમાજનાં લોકોની સાથે-સાથે દરેક માનવીની સેવા થઈ શકે તેવો છે. આ સંગઠન દ્વારા બેટી બચાવો માટેનાં વિશેષ કાર્યો થયા છે. આ સંગઠન દ્વારા કુરીવાજ નાબુદી માટે દરેક જ્ઞાતિને સાથે રાખી બહુ મોટું કામ થયું છે. સમસ્ત પાટીદાર સમાજની સ્થાપના અને બધા જ સમાજોને સાથે રાખી સમાજ ઉપયોગી કામ કરવાથી એકબીજા વચ્ચે આત્મીયતા વધી છે. સુરતમાં રહેતા ગુજરાતનાં દરેક ગામોના લોકોએ અન્ય શહેરો અને ગામડાઓ સુધી આ સંદેશો પહોંચાડ્યો છે. આવા જ ઉદ્દેશથી અમદાવાદમાં “સરદાર ધામ”ની પણ સ્થાપના થઈ છે. આમ સમસ્ત પાટીદાર સમાજની સ્થાપનાનાં વિચારને મૂર્તિમંત કરવા માટે અમારા સહયોગી સ્વ.ઓધવજીભાઈ પટેલ-મોરબી, સ્વ.કેશુભાઈ શેઠ-ઊંઝા, શ્રી લાલજીભાઈ પટેલ, શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, સમાજનાં અન્ય આગેવાનો, દાતાઓ, તમામ ટ્રસ્ટીઓ અને હજારો કાર્યકરોનો અભિયાનને સફળ કરવા માટે ખુબ મોટો સહયોગ રહ્યો છે.