સુરતમાં “કિરણ હોસ્પિટલ” બની રહી છે તેનો વિચાર કોને અને ક્યારે આવ્યો? તે જણાવશો.

વર્ષ ૨૦૦૯માં સમસ્ત પાટીદાર સમાજ ભવનનાં લોકાર્પણનો કાર્યક્રમ હતો. તે કાર્યક્રમના મંચ ઉપર અન્ય મહાનુભાવોની સાથે શ્રી વલ્લભભાઈ લખાણી પણ ઉપસ્થિત હતા. બધા જ આગેવાનો શિક્ષણ નિધિમાં ફંડ લખાવી રહ્યા હતાં. તેમાં રૂI. ૫૧ લાખની વલ્લભભાઈ લખાણીએ પણ જાહેરાત કરી. મેં તેમની બાજુની સીટ ઉપર જઈને કહ્યું કે આપે રૂI. ૫૧ લાખ શિક્ષણ નિધિમાં લખાવ્યા છે તે આંકડો સુધારીને રૂ|. ૧ કરોડ કરો. તો વલ્લભભાઈ લખાણીએ મારા કાનમાં કહ્યું કે તમે વિશાળ હોસ્પિટલનું વિચારો અને હોસ્પિટલ બનાવવા માટે જો તમે આગળ આવશો તો જે જરૂર હશે તે દાન આપવા માટે હું તૈયાર છું. ચાલુ કાર્યક્રમે સ્ટેજ પર વલ્લભભાઈની સાથે ચર્ચા કરતાં હોસ્પિટલનો વિચાર પ્રગટ થયો છે ત્યારે વલ્લભભાઈએ કહ્યું કે તમે હોસ્પિટલ બાંધવાની જવાબદારી ઉપાડો તો મારા તરફથી રૂI. ૫ કરોડની અત્યારે જાહેરાત કરો. તેથી મેં તે જ સ્ટેજ પર સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ દ્વારા વિશાળ હોસ્પિટલ બાંધવાની જાહેરાત કરી અને દાતાઓએ પણ દાનની જાહેરાત કરી. સ્ટેજ પર બેઠેલાં તે વખતનાં ગુજરાત સરકારનાં મંત્રીશ્રીઓ આનંદીબહેન પટેલ, નીતિનભાઈ પટેલ, સૌરભભાઈ પટેલ આ મંત્રીઓને મેં વિનંતી કરી કે રાજ્ય સરકાર રૂપિયા ટોકન ભાવે અમોને જગ્યા આપે તો સુરતમાં ગુજરાતની નંબર વન હોસ્પિટલ બાંધવા માટે અમો તૈયાર છીએ. મંત્રીશ્રીઓએ ખાતરી આપી કે સરકાર જમીનની વ્યવસ્થા કરશે આપ હોસ્પિટલ બનાવવા માટેનું આયોજન આગળ વધારો. ગાંધીનગરમાં ચર્ચા-વિચારણા બાદ તે વખતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુરત રેલ્વે સ્ટેશનથી એકદમ નજીક ૧૭,૦૦૦ વારનો એક પ્લોટ અમોને આપવાની જાહેરાત કરી. જમીન મેળવવામાં થોડો સમય લાગ્યો. પરંતુ અમે હોસ્પિટલ બનાવવા માટેનો માહોલ સતત જાળવી રાખ્યો અને દાતાઓને સતત મળતા રહ્યા. દરેક સભામાં આ હોસ્પિટલનો વિષય રાખ્યો. હોસ્પિટલનો પ્લાન ફાઈનલ કરવામાં આવ્યો. ૨૦૦ ટ્રસ્ટીઓ અને દાતાઓના કમિટમેન્ટ મેળવ્યા. ૫૦૦ કરોડના ખર્ચે બનનાર હોસ્પિટલનું નામ વલ્લભભાઈ લખાણીએ લીધું અને હોસ્પિટલનું નામ “કિરણ હોસ્પિટલ” રાખવામાં આવ્યું. રૂપિયા ૫૨ કરોડ વલ્લભભાઈએ દાનમાં આપ્યા. એવી જ રીતે વિવિધ નામો અને વિભાગોનાં નામકરણના દાતા આવ્યા. તારીખ ૨૧/૧૦/૨૦૧૩ના રોજ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ના વરદ્હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. હોસ્પિટલનું બાંધકામ ઝડપથી આગળ વધ્યું. તમામ ટ્રસ્ટી અને દાતાઓના સહયોગથી આ ૫૦૦ કરોડ રૂપિયાની હોસ્પિટલનું નિર્માણ થયું. આ હોસ્પિટલ ૧૦ લાખ સ્ક્વેર ફૂટના બાંધકામમાં ૧૩ માળ તથા ૧૩માં માળે હેલીપેડ, એર એમ્બ્યુલન્સની સુવિધા, આધુનિક ટેકનોલોજીનાં સાધનો દ્વારા તમામ રોગોનો ઈલાજ, ૫૦૦ બેડની વિશાળ હોસ્પિટલમાં સારા ડોકટરો અને સ્ટાફ સાથે નિર્માણ થઈ છે. દરેક માનવીને સસ્તી ને સારી સારવાર મળે તે મંત્રને સિધ્ધ કરવા માટે સૌ દાતા અને ટ્રસ્ટીઓ સતત ચિંતિત હતા. ગુજરાતના લાખો પરીવારોને જોડવા માટે એક વિશેષ મેડીકલ પોલીસીનું આયોજન કરવામાં આવ્યું. આ સાથે દરેક સમાજનાં લોકોનો આર્થિક સહયોગ મળ્યો. કોઈપણ સારૂં કામ કરવા માટે પોઝીટીવ વાતાવરણ બને તે જરૂરી હોય છે. હોસ્પિટલ બનાવવાનાં વિચારથી માંડી સતત પોઝીટીવ વાતાવરણ જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તમામ ટ્રસ્ટીઓ અને શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, શ્રી લાલજીભાઈ પટેલ, અમો સૌ સાથે મળીને કિરણ હોસ્પિટલ રૂપી આરોગ્ય ધામને મૂર્તિમંત કરી સસ્તી અને સારી સારવારનાં મંત્રને સિધ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે.