વર્ષ ૨૦૦૬માં સુરત ખાતે “બેટી બચાવો મહાલાડું”નો ઐતિહાસિક કાર્યક્રમ થયો. તેના આયોજન વિશે જણાવો.

q4

                દીકરા-દીકરીનાં જન્મદરનું અન-બેલેન્સ થવાથી સામાજીક વ્યવસ્થાઓ પર અનેક પ્રશ્નો ઊભાં થયા. જન્મદરને બેલેન્સ કરવા માટે કન્યા ભૃણહત્યા રોકવી અને છોકરાને તથા છોકરીને સમાન દ્રષ્ટીથી જોવું તે બહુ જ જરૂરી હતું. આ ગંભીર પ્રશ્નને હલ કરવા માટે લોકોને જાગૃત કરવા તે ખુબ જ જરૂરી હતું. અમોએ “જળસંચય” અભિયાનની સાથે “બેટી-બચાવો” અભિયાન જોડ્યું. જળસંચય અભિયાન સમગ્ર ગુજરાતમાં લાખો કાર્યકરો સાથે કાર્યરત હતું. તે લાખો કાર્યકરો થકી બેટી બચાવો અભિયાનને સમગ્ર દેશમાં જન-જન સુધી લઈ જવા માટે અમોએ એક ઐતિહાસિક કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી. લોકોને વિષય સાથે જોડવા હોય ત્યારે તે અભિયાનમાં લાગણીથી લોકો જોડાય તે અતિ જરૂરી હોય છે. આ કાર્યક્રમનું નામ રાખ્યું “બેટી બચાવો મહાલાડું” કાર્યક્રમ. આ કાર્યક્રમનું આયોજન “સમસ્ત પાટીદાર સમાજ”નાં નેજા હેઠળ કરવામાં આવ્યું. કાર્યક્રમની તારીખ નક્કી કરી ૧લી જાન્યુઆરી,૨૦૦૬. આ કાર્યક્રમની આઠ મહિના અગાઉથી કામગીરી ચાલુ થઈ ગઈ હતી. ૩૫ હજાર સ્વયં સેવકો આયોજનમાં જોડાણા અને સુરત શહેરનાં ૨ લાખ ૫૨ હજાર ઘરેથી ફોર્મ ભરાયા હતા. ફોર્મ માં વિગત હતી કે તમારા ઘરમાં દીકરીઓ કેટલી? દીકરાઓ કેટલા? અને બાકીની પરીવારની વિગત. કાર્યકરો દ્વારા દરેક ઘરેથી એક મુઠ્ઠી અન્ન અને જળ ઉઘરાવવામાં આવ્યું. ઉઘરાવેલાં અન્ન અને જળ માંથી ૧૫ હજાર મણ બુંદીનો લાડુ બનાવવામાં આવ્યો. લાડુની ઉંચાઈ હતી ૩૫ ફૂટ અને ઘેરાવો હતો ૬૫ X ૬૫ ફૂટ. આ પહાડ જેવા લાડુનું નામ હતું “બેટી બચાવો મહાલાડું”. આ લાડુંની નોંધ “લિમ્કા બુક ઓફ રેકોર્ડ”માં પણ લેવાણી હતી. દરેક ઘરેથી અન્ન અને જળ ઉઘરાવવામાં આવતું ત્યારે સ્વયં સેવકો લોકોને કહેતાં કે, “તમારા ઘરેથી આપેલ આ અન્ન અને જળ માંથી બેટી બચાવો મહાલાડું બનાવવામાં આવશે”. આ કાર્યક્રમનું આયોજન સુરત થી ૨૦ કી.મી. દૂર કામરેજ ખાતે કરવામાં આવ્યું હતું. સુરતમાંથી સ્વયંભૂ માનવ મહેરામણ ઉમટ્યો હતો. સુરત-કામરેજ ૨૦૦ ફૂટનાં રોડ ઉપર કોઈ વાહન ચાલી શકે તેવી સ્થિતિ ના રહી. લોકો ચાલતાં- ચાલતાં ૨૦ કી.મી. સુધી આવ્યા અને આ કાર્યક્રમમાં ૧૨ લાખ થી વધારે લોકો ઉપસ્થિત રહ્યા. એક મંચ પર ૨૦૦ મહેમાન બેસી શકે તેવા ૭ મંચ બનાવવામાં આવ્યા હતા. રાજ્ય, દેશ અને દુનિયામાંથી ૧૪૦૦ થી વધારે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ૫૦ હજારથી વધારે અન્ય શહેરો અને ગામોથી આગેવાનો આવ્યા હતા. આ વિશાળ કાર્યક્રમમાં બેટી બચાવો મહાલાડુંની આરતી ઉતારી ભવ્ય પૂજન કરવામાં આવ્યું હતું. દરેક ઘરેથી ઉઘરાવેલ અન્ન અને જળમાંથી બનેલ બેટી બચાવો મહાલાડુંની સાક્ષીમાં ઉપસ્થિત ૧૨ લાખ ભાઈઓ-બહેનોએ શપથ લીધા કે અમે અન્નની સાક્ષીમાં એટલે કે બેટી બચાવો મહાલાડું ની સાક્ષીમાં શપથ લઈએ છીએ કે, “અમારા પરીવારમાં કદી કન્યા ભૃણહત્યા નહિ થાય, દીકરા તથા દીકરીને સમાન નજર થી જોઈશું, અને અન્યને કન્યા ભૃણહત્યા કરતાં રોકીશું.” લાખો લોકોને આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. બેટી બચાવો મહાલાડુંમાંથી ૩૫ લાખ બોક્સમાં પ્રસાદ મુકવામાં આવ્યો. આ ૩૫ લાખ બોક્સ ગુજરાતનાં શહેરો અને ગામડાઓમાં પહોંચડાવામાં આવ્યા. ગામડે-ગામડે પ્રસાદની સાક્ષીમાં કરોડો પરીવારોએ શપથ લીધા કે “અમે કદી કન્યા ભૃણહત્યા નહીં કરીએ.” વિશ્વમાં કદાચ પહેલી વખત કન્યા ભૃણહત્યા રોકવા માટે આવો ઐતિહાસિક કાર્યક્રમ થયો હશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાણા તેમને આ કાર્યક્રમ પોતાનો લાગ્યો. દરેક ઘરેથી અન્ન અને જળ ઉઘરાવેલ હોવાથી કાર્યક્રમ સાથે પોતાપણાનો ભાવ જોડાણો. તેથી દરેકે અમારો કાર્યક્રમ છે તેવું અહેસાસ કર્યું અને સ્વયંભૂ માનવ મહેરામણ ઉમટ્યો. આ કાર્યક્રમથી સમગ્ર દેશમાં કન્યા ભૃણહત્યા રોકવાની વિશેષ જાગૃતતા આવી. સમગ્ર દેશનાં મીડિયાનાં લોકો કન્યા ભૃણહત્યા રોકવા માટેનાં કાર્યક્રમને ઉજાગર કરતાં થયા. સંતો-મહંતો પોતાના વકતવ્યમાં કન્યા ભૃણહત્યા રોકવા માટેની વાતો કરવા લાગ્યા, સરકારશ્રીઓએ નિયમોમાં ફેરફાર કર્યા, કન્યા ભૃણહત્યા રોકવા માટે સરકારે પણ આયોજન શરૂ કર્યા તથા ભૃણહત્યા કરતાં ડોકટરોને સજા થવા લાગી. આ ઐતિહાસિક કાર્યક્રમને સફળ કરવા માટે લાખો કાર્યકરોએ કામ કર્યું છે. કન્યા ભૃણહત્યા એ એક કલંક છે. એ કલંકને દૂર કરવા તેમજ જન્મદરનું બેલેન્સ લાવવા સૌ કોઈએ સહિયરા પ્રયાસ કર્યા છે. આથી કન્યા ભૃણહત્યા થતી અટકી અને દીકરીઓનો જન્મદર વધવા લાગ્યો.