શ્રી મથુરભાઇ સવાણી

DSC_5060  શ્રી મથુરભાઈ માધાભાઈ સવાણીનો જન્મ તારીખ ૧૨-૧-૧૯૬૩ના રોજ ભાવનગર જીલ્લાનાં ગઢડા તાલુકાનાં ખોપાળા ગામમાં થયો. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ ઈ.સ.૧૯૭૫ માં ડાયમંડ વર્કર તરીકે સુરતમાં શરૂઆત કરી. તેમની આવડત અને કુશળતાથી ઈ.સ.૧૯૮૦ માં ડાયમંડ વ્યવસાય માટે સુરતમાં “સવાણી બ્રધર્સ” નામની કંપની સુરતમાં જ શરૂ કરી. બિઝનેશ અર્થે યુરોપ, અમેરિકા અને ઈઝરાયેલ જવાનું થતું. ઈઝરાયેલના પાણીના મેનેજમેન્ટથી પ્રભાવીત થઈને  ઈ.સ.૧૯૯૭માં ગુજરાતમાં જળ સંચય અભિયાન શરૂ કરવા માટે “સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ”ની સ્થાપના કરી અને તેનું પ્રમુખ પદ સંભાળ્યું.

   શ્રી મથુરભાઈ સવાણીએ સમ્રગ ગુજરાતમાં જળ સંચય અભિયાન જન-જન સુધી પહોચાડવા માટે પદયાત્રાઓ, મહાસંમેલનો, સંમેલનો, શિબિરો અને ૩૨૦૦ ગામ સભાઓ કરી. ગામની જળ સંચય કમીટીઓ બનાવી. સરકારશ્રીની વિવિધ યોજનાઓને ગામ કમીટી સુધી પહોચાડવા માટે મહત્વની ભુમિકા નિભાવી, સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના ૪૦ જે.સી.બી. મશીનો વિના મુલ્યે ગામ કમીટીઓને આપવામાં આવ્યા તેમજ ૧૨૫ લોકોના ટ્રસ્ટના ટેકનીકલ સ્ટાફ દ્વારા સેવા આપવામાં આવી. ૫૦ લાખથી વધારે જળ સંચય માહિતી પુસ્તિકાઓ ગુજરાતના ગામો ગામમાં પહોચાડવામાં આવી જેના સંદર્ભમાં લાખોની સંખ્યામાં ચેકડેમો, તળાવો અને ખેત તલાવડીઓ બની જેના દ્વારા પાણીના તળ ઊચાં આવ્યા, પાણીની ગુણવત્તા સુધરી અને ખેત ઉત્પાદન વધ્યું. આ ઉપરાંત ઈ.સ.૨૦૦૩ થી જળ સંચય અભિયાનની સાથોસાથ કન્યા ભ્રૂણ હત્યા રોકવા માટે “બેટી બચાવો” અભિયાન શરૂ કરવામાં આવ્યું. તારીખ ૧લી જાન્યુઆરી,૨૦૦૬ માં સુરતમાં ૨,૫૨,૦૦૦ ઘેરે થી એક મુઠ્ઠી અન્ન અને જળ લઈ “બેટી બચાવો મહાલાડુ” બનાવવામાં આવ્યો. આ લાડુ ૩૫ ફૂટ ઉંચો અને ૧૫ હજાર મણ બુંદીનો હતો. જેની નોંધ “લિમ્કા બુક ઓફ રેકોર્ડસ” માં લેવાઈ. આ લાડુનું મહાપૂજન થયું. ઉપસ્થિત ૧૨ લાખ લોકોએ “બેટી બચાવો મહાલાડુ”ની સાક્ષીએ શપથ લીધા કે અમે કદી સ્ત્રી ભ્રૂણહત્યા નહિ કરીએ. ત્યારબાદ ઈ.સ.૨૦૦૮ માં સુરતની સ્કુલની બાળાઓએ ગુજરાતના ૧૮,૦૦૦ ગામડાઓમાં બેટી બચાઓ સંદેશા સાથેના પત્રો લખ્યા. મથુરભાઈ સવાણીની આગેવામાં ઈ.સ.૨૦૦૮ માં સુરત થી સોમનાથ સુધીની “સર્વ સમાજ બેટી બચાવો” યાત્રા સમ્રગ ગુજરાતમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરતમાં રહેતા અને જેને પોતાનું ઘરનું ઘર ન હોય તેવા ગરીબ લોકોને “ગઢપુર ટાઉનશીપ” બનાવી ૧૨૧૧ પરિવારોને ઘર આપવામાં આવ્યા. આ ઉપરાંત અન્ય સમાજ ઉપયોગી પ્રવુતિઓ સતત શરૂ રહે છે.

                                                -: પુરસ્કાર :-

પદ્મશ્રી એવોર્ડ ભારત સરકાર ૨૦૧૪
મુખ્યમંત્રીશ્રીનો પબ્લિક હેલ્થ એવોર્ડ ગુજરાત રાજ્ય, ગાંધીનગર ૧૯૯૯
મુખ્યમંત્રીશ્રીનો રૌપ્યચંદ્રક, પુરસ્કાર ગુજરાત રાજ્ય, ગાંધીનગર ૨૦૦૧
૪૫ મો ગુજરાત ગૌરવ દિન સન્માન ગુજરાત રાજ્ય, ગાંધીનગર ૨૦૦૪
રાજર્ષિ એવોર્ડ સાંદિપની વિદ્યાનિકેતન, પોરબંદર ૨૦૦૫
પાટીદાર રત્નશ્રી એવોર્ડ ગુજરાત પાટીદાર પરિષદ, મહેસાણા ૨૦૦૫
જલ સ્ટાર એવોર્ડ દિવ્ય ભાસ્કર ૨૦૧૨
   આ ઉપરાંત ૧ હજારથી વધારે સ્વૈચ્છિક / શૈક્ષણિક સંસ્થાઓ, મંડળો, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતની ગામ સમિતિઓએ સન્માનપત્ર અને પુરસ્કારથી સન્માનિત કરેલ છે.

 

img1