ઈ.સ.૧૯૯૮ માં બે વિડીયો વાન બનાવ્યા. તેમાં ૫૮ ઇંચના ટીવી મુકી ઈ.સ.૨૦૦૫ સુધીમાં ૩ હજારથી વધુ ગામોમાં પ્રેરણાદાયી ગામોનું જળસંચય મોડેલ અને માહિતી પુસ્તિકાઓ પહોચાડી. જેવી કે “દુષ્કાળ ને દેશવટો”, “હરિયાળી ક્રાંતિના મહામંડાણ”, “ચાલો સૌ સાથે મળીને બાંધીએ ચેકડેમ” અને “જળસંચય માહિતી પત્રિકા” જેવી વિવિધ પ્રકારની ૫૦ લાખથી વધારે કોપીનું વિતરણ ગામે-ગામ કર્યું. આ ઉપરાંત અન્ય રાજ્યો માટે ૨૦ હજાર બુકલેટ અંગ્રેજી અને હિંદી ભાષામાં બનાવડાવી હતી. જળસંચયને લગતા વિવિધ પપ્રકારના ગીતો બનાવીને તેની ૧ લાખથી વધારે ઓડિયો કેસેટનું વિતરણ કર્યું. વિવિધ ટીવી કલાકારોના પાત્રો સાથે ટેલીફિલ્મો પણ બનાવવામાં આવી અને આસ્થા જેવી વિવિધ ચેનલોમાં અલગ અલગ ભાગો લાંબા સમય સુધી પ્રસારિત કર્યા. વિવિધ કૃષિ મેળાઓમાં લાઈવ પ્રદર્શનો ગોઠવવામાં આવ્યા.
જળસંચય અભિયાનને લગતી ૫૦ હજારથી વધારે વિડીયો સીડીઓનું વિતરણ કર્યું. લાખોની સંખ્યામાં જળસંચય સંદેશાના પોસ્ટકાર્ડ લખ્યા. વિવિધ ચેનલો દ્વારા જળસંચયને લગતા લાઈવ સંવાદ સાથેના કાર્યક્રમો રજુ કર્યા. વિવિધ કાર્યક્રમની જાણકારી માટેના લાખોની સંખ્યામાં બેનરો, હોર્ડીંગો બનાવ્યા.
ગુજરાતના દૈનિકપત્રોમાં અવસાન પામેલા વ્યક્તિઓની શ્રદ્ધાંજલિ આવતી હોય છે. અવસાન પામેલ વ્યક્તિઓના પરિવારને શ્રદ્ધાંજલિ પત્ર અમે લખીએ. શોક સંદેશાની સાથે સાથે અવસાન પામેલા પરિવારજનની યાદમાં પોતાના વતનના ગામમાં ચેકડેમ તળાવ બને, વૃક્ષારોપણ થાય એવા અપીલ કરતા શ્રદ્ધાંજલિ પત્રો પાછલા ૧૫ વર્ષમાં એક લાખથી વધારે લખાણા છે. આ ઉપરાંત છેલ્લા ૧૫ વર્ષથી નૂતન વર્ષાભિનંદનના કાર્ડની સાથે જળસંચય, બેટી બચાવો જેવી ટૂંકમાં અપીલો પણ દિવાળી કાર્ડમાં સામેલ હોય છે. આવા દર વર્ષે સંસ્થા સાથે લાઇવ સંકળાયેલા એવા પચાસ હજારથી વધારે લોકોને નૂતન વર્ષની શુભકામનાઓના કાર્ડ મોકલવામાં આવે છે. ટેલીવિઝન, પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી પણ જન-જન સુધી જળસંચય અભિયાનને પહોચાડવાનો ભગીરથ પ્રયાસ થયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટની વેબસાઈટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી દેશના હજારો લોકો સાથે માહિતીની આપ-લે થાય છે.