પરિણામો

     સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટનાં અથાગ પ્રયાસો અને પ્રોહ્ત્સાનોથી પ્રેરાયને જે ગામોમાં જળસંચયનું અસરકારક કામ થયું છે. તે ગામોનો સર્વે કરી ત્યાંનાં ખેડૂતોના ઈન્ટરવ્યું લીધા અને જળસંચય યોજનાથી શું અને કેટલા ફાયદા થયા છે તેની માહિતી મેળવી છે.

  • ખેત ઉત્પાદનમાં વધારો :

સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટનાં અભિયાનથી ખેત ઉત્પાદનમાં ખુબ વધારો થયો છે. ઈ.સ.૧૯૭૧ માં ગુજરાતનું ખેત ઉત્પાદન કુલ ૭૦૦૦ કરોડ હતું તે વધીને આજે કૃષિ વિભાગના આંકડા મુજબ ૧૧૧૦૦૦ કરોડનું થયું છે.  એવી રીતે જ ઘણા ગામોમાં ખેતીની જમીનની કિંમત પણ બમણા થી ત્રણ ગણી વધી છે.

  • પાણીના તળ ઊંચા આવ્યા :

જળસંચય યોજના દ્વારા જમીનમાં પાણી ઉતારવાથી પાણીના તળ સરેરાશ ૧૪ મીટર ઊંચા આવ્યા છે. કેટલાક કુવાઓ છેલ્લા ત્રીસ-ત્રીસ વર્ષથી ખાલી હતા તેવા કુવાઓમાં પણ પાણી આવ્યા છે. અત્યાર સુધી થયેલ યોજનાનાં પરિણામે એક લાખ એંશી હજાર કુવાઓમાં પાણીના તળ ઊંચા આવ્યા છે.

  • પીવાનું પાણી મળતું થયું :

સામુહિક જળસંચય યોજના થવાથી ઘણા ગામોમાં જ્યાં ઉનાળામાં છેલ્લા પંદરેક વર્ષથી ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવું પડ્યું હતું ત્યાં હવે જળસંચય યોજનાથી પાણીના તળ ઉપર આવતા ટેન્કરથી પાણી મંગાવવું પડતું નથી અને સ્થાનિક કૂવાઓમાંથી જ પીવાનું પાણી મળી રહે છે.

  • આરોગ્યમાં સુધારો:

જળસંચય યોજના દ્વારા તળમાં પાણી ઉપર આવ્યા છે અને પાણીની ગુણવત્તા સુધરી છે. જેનાથી લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે. ઘણી જગ્યાએ ફ્લોરાઇડના પ્રમાણમાં ૩૫% નો સુધારો થયો છે.

  • રોજગારી વધી :

જળસંચય યોજના દ્વારા ખેતી માટે જરૂરી પાણી ઉપલબ્ધ થયું. તેથી કેટલાક ગામોમાં બારેમાસ ખેતી પણ શકય બની છે. આથી ગામના ખેતમજૂરોને વધુ કામ મળ્યું છે તેટલું જ નહિ પણ આખા વર્ષ માટે કામ મળી રહ્યું છે. આવી રીતે ગ્રામ્ય રોજગારીનું પ્રમાણ વધ્યું છે. આ ઉપરાંત ખેત મજુરોને મજૂરીનો દર પણ ઊંચો પ્રાપ્ત થયો છે.

  • પર્યાવરણમાં સુધારો :

સૌરાષ્ટ્ર જલધારાના જળસંચય અભિયાન દ્વારા જમીનમાં પાણીના તળ ઊંચા આવવાથી અને પાણી મળતા સૌરાષ્ટ્રના અનેક ગામોએ વૃક્ષો વાવ્યા છે. આથી ઘણા ગામડાઓ જે આજથી સાત વર્ષ પહેલા ઉજ્જડ હતા ત્યાં આજે લીલા વૃક્ષો અને હરિયાળી જોવા મળે છે. સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં અગાઉ કરતા આજે વૃક્ષોનું પ્રમાણ વધ્યું છે.

  •  વીજ વપરાશમાં ફાયદો :

પાણીના તળ ઊંડા જવાથી પહેલા ખુબ જ ઊંડેથી પાણી ખેચવું પડતુ હતું તેથી વીજળી વધુ વપરાતી હતી તે હવે જળસંચય યોજનાઓ દ્વારા પાણીના તળ ઊંચા આવવાથી પ્રમાણમાં ઓછી વીજળી વપરાય છે. આથી ખેડૂતોને વીજળીબીલમાં પ્રમાણસર રાહત થઇ છે.

  • ગ્રામીણજીવન ધોરણમાં સુધારો :

જળસંચય યોજના દ્વારા ખેત ઉત્પાદન વધતા ખેતી ક્ષેત્રે સરેરાશ રોજગારીમાં વધારો થયો છે. એટલુ જ નહિ પરંતુ અગાઉના વર્ષો કરતા રોજગારીનો દર પણ વધ્યો છે. આથી ખેડૂતો તથા ખેત મજૂરોના જીવન ધોરણમાં સુધારો થયો છે. સ્ત્રીઓ તથા પુરૂષોએ અગાઉ પાણીની લાઈનમાં અથવા ગામથી દૂર સુધી પાણી માટે જવું પડતું તે હવે જવું પડતું નહિ હોવાથી તેમના સમયનો બચાવ થયો છે. આથી તેઓ તેમના બાળકોના આરોગ્ય અને શિક્ષણ પ્રત્યે ધ્યાન આપી શકયા છે.